0%
 • શું તમે પેલા મુર્ખ રાજાની વાર્તા સાંભળી છે? શું તમે વિચાર્યું છે કે, ફિલ્મોની આપણા વિચારો અને સંબધો ઉપર કેવી બહોળી અસર થાય છે? મનોરંજનની સાથે-સાથે તમારા મનમાં કલ્પના અને વિચારોના બીજ વાવવા માટે રંગભૂમિનાં કલાકારો અને થિયેટર ગ્રુપ્સ તમારી સામે એક અનન્ય રજૂઆત કરવા જઈ રહ્યા છે

 • કલાકારોની લાગણીઓ અને વિચારોને આલેખતી; કાવ્ય, ચિત્રકલા અને નૃત્ય રસમાં તરબોળ કૃતિઓ અમે તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. સુંદર મોહરા પાછળ છુપાયેલા ભીતર વસતા દૈત્ય; રાવણનું પાત્રાંકન, સદીઓથી હૃદય અને મન વચ્ચે ચાલતા સંઘર્ષની કાવ્ય, ભરતનાટ્યમ અને કથકની નૃત્યશૈલીમાં રજૂઆત અને બીજું ઘણું બધું..!

 • સંગીતને કોઈ સીમા નથી, સુરોને બંધનમાં બાંધી શકાતા નથી, તેવી જ રીતે અભિવ્યક્તિ જોડે જોડાયેલા આ સંગીતકારો પણ પોતાની સીમાઓ ઓળંગી તેમની કળાને એક કદમ આગળ લઇ જઈ રહ્યા છે, પરંપરા અને શાસ્ત્રીય સંગીતનાં ઢાંચામાં રહીને તેઓ નવા ક્ષિતિજો સર કરવા જઈ રહ્યા છે, શું તમે આ સંગીતની સફર માટે તૈયાર છો?

 • અભિવ્યક્તિમાં રજુ થઇ રહેલા દરેક પ્રદર્શન આપણને રોજબરોજનાં જીવનને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ આપે છે. દરેક કૃતિ સમાજની રીતભાતનું પ્રતિબિંબ છે. બે પૈંડા પર ચાલતી સાયકલ પણ આપણા વ્યક્તિત્વમાં કેવી સહજતાથી વણાય ગઈ છે, તે વિષે કલાકારનાં વિચારો અને અવલોકન ફોટોગ્રાફી તેમજ ચિત્રકલાનાં માધ્યમથી અભિવ્યક્ત થશે

 • ચિત્રકાર, શિલ્પી, ફોટોગ્રાફર જેવા વિભિન્ન ક્ષેત્રનાં કલાકારોએ તેમની કલ્પનાને જુદા-જુદા કદ, આકાર અને મટીરીયલમાં ઢાળી કરી ઇન્સટોલેશન ઉભા કર્યા છે, જેના દ્વારા તેઓ સામાન્ય પ્રેક્ષકને તેમની કળાનો ભાગ બનાવવા માંગે છે. તેઓ લોકોના મનમાં ધરબાયેલા વિચારોને વાચા આપવા માંગે છે. આપણો સમાજ, વાતાવરણ, આ ખીચોખીચ શહેર, ચોમેર દેખાતી સુંદરતા, ભવ્ય વારસો, પરંપરા અને આ તમામ તત્વોથી આકાર પામેલા આપણા જીવનનાં અનુભવો સાથે તેઓ એક મીઠો સંવાદ છેડવા માંગે છે.

 • અભિનવ મિશ્રા

  અભિનવ, એક આર્કિટેક્ટ હોવાની સાથે સાથે, ઈન્ટરેકશન ડીઝાઈનર તેમજ નવા મીડિયાનાં કલાકાર છે, તેમની કૃતિઓ મુખ્યત્વે પર્યાવરણ, ટેકનોલોજી, સંવાદ અને મોડ્યુલારીટીનાં વિષયો પર આધારિત છે.

  સીટી ઇન સાઉન્ડ
  થોડી ક્ષણ માટે આંખ બંધ કરો અને તમારી આજુબાજુ આવી રહેલા અવાજો પર ધ્યાન આપો, દરેક અવાજ તમને કશુક યાદ અપાવી જાય છે, પણ એવા કેટલાંય અવાજો છે જે આપણે સાવ ભૂલી ગયા છે, કે હવે કદાચ આપણી આજુબાજુ એવા અવાજો રહ્યા જ નથી? દરેક અવાજ સાથે પળો અને યાદોનો સંબંધ છે. આ ઈંસ્ટોલેશન આવાં જ કેટલાક પરિચિત અવાજોનું સંગ્રહાલય છે. આવા દુર્લભ અવાજોને ફરીથી રેકોર્ડ કરી, તેને તમારી સામે પ્રસ્તુત કરવામાં આવશે. તમારી સ્મૃતિમાં દટાયેલા અવાજોને ફરીથી જીવંત કરવા, ફરીથી તેની યાદો તાજા કરવા આ ઈન્ટરેક્ટીવ મ્યુઝીયમની મુલાકાત જરૂર લેજો.

 • આકાશ ભટ્ટ

  બાળપણમાં જ સપ્તક સ્કુલ ઓફ મ્યુઝીકમાંથી તબલાની તાલીમ લીધેલ આકાશ ભટ્ટ આમ તો એક સંગીતકારની સાથે સાથે પ્રવૃત્ત આર્કિટેક્ટ પણ છે. ૨૦૦૧ થી ૨૦૧૪ દરમ્યાન તેઓ પૂર્વ યુરોપમાં રહ્યા જેમાં તેઓને SOROS ફાઉન્ડેશન દ્વારા પરફોર્મિંગ આર્ટસમાં સ્કોલરશીપ પ્રદાન કરવામાં આવી. તેઓએ બાલ્કન, શેફાર્ડીક, ટર્કીશ/ઓરીએન્ટલ અને એરેબીક જેવી જુદીજુદી સંસ્કૃતિક સંગીત શૈલીઓમાં કામ કર્યું છે, તેમજ કન્ટેમ્પરરી અને એથનો જેઝ ફ્યુઝન જેવા સંગીતનાં પ્રકારનો અભ્યાસ પણ કર્યો છે. અમદાવાદની દર્પણ સંસ્થા સાથે તેઓ નિયમિતપણે જોડાયેલા રહ્યા છે તેમજ ભારતનાં તેમજ બહારના કલાકારો સાથે મળીને હિન્દુસ્તાનનાં અલગ-અલગ આર્ટ ફેસ્ટીવલસમાં પર્ક્શનિસ્ટ તરીકે પરફોર્મ કરતા આવ્યા છે.

  ક્ષિતિજ પ્રોજેક્ટ – ૧
  સંગીત હંમેશા અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ બની રહ્યું છે, સંગીત ઉંમર કે સંસ્કૃતિઓનો તફાવત પળવારમાં ભુલાવી શકે છે. આ લાઈવ રજૂઆત, ભારતીય અને વિદેશી વાજિંત્રો તેમજ જુદી-જુદી સંગીત શૈલીઓનું ફ્યુઝન છે.

 • અકુપ બુચેમ

  અકુપની કળા તેમનાં સ્વઅનુભવ, વાતાવરણ, ત્યાગ અને અસ્તિત્વથી પ્રેરિત છે. આ તમામ વિષયો તેમના પ્રદર્શનનાં અગત્યના ભાગ રહ્યા છે. પરિત્યાગ તેમનો સૌથી ગમતો વિષય છે.

  રેવેરન્સ
  વારસો – વારસાગત ઘરોમાં જોવા મળતી નાની-મોટી વસ્તુઓ, લાક્ષણિક ચીજો, તેના ઉપયોગ અને તેનું જીવનમાં મહત્વ દર્શાવતી લગભગ ૧૦,૦૦૦૦ રેપ્લિકાઓ તમને આ ઈંસ્ટોલેશનમાં વિશાળ સ્વરૂપે જોવા મળશે.

 • અર્પિતા ધગત

  અર્પિતા અસ્તિત્વ આર્ટ ફાઉન્ડેશનનાં સ્થાપક સભ્ય છે, તેમજ હાલમાં કલ્ચરલ આઉટરીચ પ્રોગ્રામર તરીકે LEAF ફાઉન્ડેશનમાં સેવા આપી રહ્યા છે. તેઓ પોતે એક પરફોર્મર તેમજ ડિરેક્ટર પણ છે. તેઓએ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં રહી ડીઝાઈન તેમજ નાટ્યશાસ્ત્રનાં વિષયોનો અભ્યાસ કર્યો છે. અર્પિતા કળાનાં જુદા-જુદા માધ્યમો દ્વારા પ્રેક્ષકો ઉપર થતી અસર અને તેના બદલાતા સમીકરણનાં ઊંડા અભ્યાસી છે.

  આઈટમ
  સ્ત્રીના હજાર સ્વરૂપ છે, દીકરી, બહેન, પત્ની, માતા.. આ બધી ભૂમિકાઓ તેને જન્મથી જ આપી દેવામાં આવી છે. બોલીવુડની હિરોઈન હંમેશા આ બધી ભૂમિકાઓનું પ્રતિબિંબ રહ્યું છે. આ કૃતિ, ૫ લાકડાની પેટી અને ૫ કલાકારોને લઇ સ્ટીરીયોટાઈપ સામે સવાલ ઉઠાવે છે, સાથે જ આ પરફોર્મન્સ તમને વર્તમાન સમાજ અને તેના આચાર વિષે વિચારતા કરી દેશે.

  ‘ઉખાણાં’
  ઐતિહાસિક કથા એલીસ ઇન વન્ડરલેન્ડની એક ઝલક આપતું આ ઈંસ્ટોલેશન બાળકોથી લઇ વયસ્ક સુધી સૌને આકર્ષિત કરશે, આ ઈંસ્ટોલેશનમાં જાતે અંદર જઈ, એલીસ ઇન વન્ડલેન્ડની કાલ્પનિક દુનિયાનો એક વાસ્તવિક અનુભવ મેળવી શકાશે.

 • ધૈવત જાની

  અમદાવાદના રહેવાસી ધૈવત એક ડ્રમર, સ્વરકાર અને મ્યુઝીક પ્રોડ્યુસર છે. તેઓ મેઘધનુષ તેમજ ટાઈમ વાઈઝ જેઝ બેન્ડ સાથે ડ્રમ્સ વગાડે છે . તેઓએ ઘણી એડ, ડોક્યુમેન્ટ્રી અને શોર્ટ ફિલ્મ્સ માટે સંગીત પણ આપ્યું છે.

  સાઉન્ડ ઓફ સ્ટોરીઝ
  સંગીત બધે જ છે, ટ્રેનનાં અવાજ, કુતરાના ભસવામાં અને વાસણોનાં ખખડાટમાં પણ સંગીત શોધી શકાય છે. સંગીતની સીમાઓ ઓળંગી, ઇપ્રોવાઇઝેશનને કેન્દ્રમાં રાખી ધૈવત સરોદ અને કથક નૃત્યકારો સાથે મળીને એક ફ્યુઝનનાં પ્રયોગની રજૂઆત કરશે.

 • ધ્રુપદ શુક્લ

  વાસ્તવિકતા અને આજુબાજુના વાતાવરણને તેના સ્વભાવ અને સમતોલનમાં કેપ્ચર કરવો ધુપદનો નજરીયો છે, વાઈડ-એન્ગલ ફોકસ સાથે કોઈપણ પળને તેના અસલી રૂપે, છેડછાડ વગર અને એકદમ સ્વાભાવિક રીતે એક ફ્રેમમાં આવરી લેવું તેમની કળા છે.

  નાઉ યુ સી ઈટ
  અંધ વ્યક્તિનું જીવન કેવું હશે? તેમની બીજી ઇન્દ્રિઓ કેટલી શક્તિશાળી હશે? પ્રજ્ઞાચક્ષુ લોકોનાં જીવનમાં એક ડોકિયું કરતું આ એક અનોખું ફોટોગ્રાફી પ્રદર્શન છે.

 • ધૃતિ જોશી

  ધૃતિ એક નૃત્યાંગના તેમજ કોરિયોગ્રાફર પણ છે, તેઓએ જયપુર ઘરાનાથી કથકમાં વિશારદ કર્યું છે, તેઓ એ શ્રીમતી શુભા દેસાઈ પાસે લખનવ ઘરાનાની તાલીમ પણ લીધી છે તેમજ તેઓ પદ્મશ્રી બીરજુ મહારાજજી તેમજ શ્રીમતી કુમુદિનીબેન લાખિયાનાં શિષ્યા પણ રહી ચુક્યા છે. તેઓએ ભારત, ચાઈના અને શ્રીલંકા જેવા દેશોમાં નૃત્યની રજૂઆત કરી છે.

  કશ્મકશ

  હૃદય કે મનમ કોનું સાંભળવું? એ વિગ્રહ તો ચાલતો જ આવ્યો છે. તમને સાચી દિશા કોણ બતાવશે? હૃદય કે મન? ભારતનાટ્યમ, કથક અને ભારતીય કન્ટેમ્પરરી નૃત્યની શૈલીમાં, લાઈવ સંગીતનાં સથવારે આ મુદ્દો સુંદર રીતે પીરસાશે અને જવાબ મળશે કે નહિ, એ તો આ કૃતિ માણ્યા બાદ જ સમજાશે .

 • દ્રષ્ટિ ધગત

  દ્રષ્ટિ અસ્તિત્વ ફાઉન્ડેશનનાં સ્થાપક છે તેમજ ત્યાં શિક્ષકની સેવા પણ બજાવી રહ્યા છે. તેઓએ સી.એન કોલેજથી ઈતિહાસ અને ફાઈન આર્ટસનો અભ્યાસ કર્યો છે. તેઓની કળામાં વપરાતા રંગો, આકાર, કમ્પોઝીશન્સ અને એબ્સ્ટ્રેકટ આર્ટ શૈલીમાં તેમના વિચારો ઉભરીને દેખાઈ આવે છે.

  માય સીટી, માય વર્લ્ડ
  શહેર – દરેક વ્યક્તિ માટે એક અલગ અનુભવ છે, શહેર દરેક માટે એક વ્યક્તિગત લાગણી છે છતાં તેનો ઘણો આધાર બીજાના અનુભવો પર પણ રહેલો છે. આ એબ્સ્ટ્રેકટ આર્ટ ઈંસ્ટોલેશનમાં પ્લાસ્ટિક, લોખંડ જેવા મટીરીયલ દ્વારા કલાકારની પોતાના શહેર વિશેની દ્રષ્ટિ તાદૃશ્ય કરે છે. આ ઈંસ્ટોલેશનમાં લોકો અંદર જઈ પોતાની લાગણી વ્યક્ત કરી શકે, પેન્ટ કરી શકે તેવું આયોજન પણ છે

 • હર્ષલ વ્યાસ

  ગુજરાતના લોકનૃત્યો થી લઇ ડી. પદ્મકુમાર પાસેથી કલરીપયટુ નૃત્યમાં તાલીમ પામેલ હર્ષલે ટેરેન્સ લુઇસ, દર્પણા કલાકાર વૃંદ અને બીજા ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કામ કરી ચુક્યા છે. હવે તેઓ કન્ટેમ્પરરી ડાન્સ અને મુવમેન્ટ રીસર્ચ પર કામ કરી રહ્યા છે

  રાવણ – ઇન ટેન માઈન્ડસ
  રાવણ એક એવું જટિલ પૌરાણિક પાત્ર છે જે દરેક સમયમાં સુસંગત છે. રાવણના ગુણો આપણા સમાજમાં ઘણીવાર સહજતાથી પ્રતિબિંબિત થતા હોય છે. મધુબની ચિત્રશૈલીથી બનાવેલા મહોરાં સાથે તૈયાર કરવામાં આવેલું આ નૃત્ય, રાવણનાં ચરિત્રનું એક નવુ જ પાસું તમારી સામે ઉઘાડશે.

 • હસમુખ મકવાણા

  હસમુખે શેઠ સી.એન કોલેજ ઓફ ફાઈન આર્ટસ અને એમ.એસ.યુ વડોદરાથી થી અપ્પ્લાઈડ આર્ટસમાં ડિપ્લોમા કર્યું છે. તેમનું કામ આપણા રોજીંદા જીવનની આસપાસ આકાર લે છે. આસપાસનું વાતાવરણ, લોકોનું વર્તન, રોજબરોજનાં કાર્યો વિષે તેમના અવલોકનને તે કલાત્મક રીતે રજુ કરે છે. રોજી-રોટી, સંઘર્ષ, પારંપરિક ચીજો, સાહિત્ય અને બાળપણનાં સ્મરણો તેમની કલ્પનાનાં મુખ્ય સ્ત્રોત છે.

  પગરખાં
  આપણી આજુબાજુ કેટલી બધી વાર્તાઓ શ્વાસ લે છે, ઉછરે છે, દરરોજ, દરેક ક્ષણ ..! આપણે કોઈ વાર્તાનો ભાગ બનીએ તો ક્યારેક આપણી વાર્તા કોઈબીજાની વાર્તામાં ગૂંથાય જાય. આ બધું અંતે આપણા જીવનના સંસ્મરણો બની જાય. આ ઈંસ્ટોલેશનમાં ૩૦ પગરખાની જોડ અને તે પહેરનારનાં જીવનની વાત કહી જાય છે. એ પગરખા કોઈના પણ હોઈ શકે, કોઈ સુથાર, મજુર કે ડોક્ટર પણ..! દરેક જોડ બે વાર્તાઓ કહેશે, એક કાલ્પનિક અને એક સત્ય

 • હિમાંશુ પંચાલ

  હિમાંશુ અકાઉન્ટન્ટની કારકિર્દી છોડી કળા તરફ પ્રેરાઈને હવે ફોટોગ્રાફર/પ્રિન્ટર બન્યા છે. તેઓ નવજીવન ટ્રસ્ટનાં રંગજ્યોત વિભાગ (ડિજીટલ આર્કાઈવિંગ અને ફાઈન આર્ટસ પ્રિન્ટીંગ) સાથે સંકળાયેલા છે. જીવનના સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓ તેમના મનપસંદ છે. તેઓએ ભારતમાં અનેક ગ્રુપ શો તેમજ અમેરિકામાં ફાઉન્ડર આર્ટ ગેલેરી, મેસન યુનિવર્સિટીમાં સોલો શો પણ કર્યો છે

  નોટ અ મિસ્ડ કોલ
  આ પ્રોજેક્ટનો વિષય મોબાઈલ ટેકનોલોજી પર આધારિત છે, મોબાઈલ ટેકનોલોજીની માનવજીવન પર દેખાતી ગાઢ અસર, તેને લીધે કેટલાં આપણા અને બીજા લાખો હજારો લોકોના જીવન, અને જીવનના દ્રષ્ટિકોણ પણ કેટલી હદે, ઝડપથી બદલાઈ ગયા છે તેના પર પ્રકાશ પાડતું આ પ્રદર્શન આપણને જરૂરથી આપણી લાઈફસ્ટાઈલ વિષે વિચારતા કરી દેશે.

 • ઇશા તલસાણીયા

  ઇશા વ્યવસાયે આર્કિટેક્ટ, શિક્ષણશાસ્ત્રી અને ડિઝાઈન સ્ટ્રેટેજીસ્ટ પણ છે. પ્રાઈવેટ પ્રેક્ટીસની સાથે સાથે તેઓ સેપ્ટ (CEPT)માં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે, ડિઝાઈન શિક્ષણ અને અભ્યાસક્રમની કેળવણી અને સુધારણા અંગે તેઓનો ખાસ રસ રહ્યો છે.

  સીટી ઇન સાઉન્ડ્સ
  થોડી ક્ષણ માટે આંખ બંધ કરો અને તમારી આજુબાજુ આવી રહેલા અવાજો પર ધ્યાન આપો, દરેક અવાજ તમને કશુક યાદ અપાવી જાય છે, પણ એવા કેટલાંય અવાજો છે જે આપણે સાવ ભૂલી ગયા છે, કે હવે કદાચ આપણી આજુબાજુ એવા અવાજો રહ્યા જ નથી? દરેક અવાજ સાથે પળો અને યાદોનો સંબંધ છે. આ ઈંસ્ટોલેશન આવાં જ કેટલાક પરિચિત અવાજોનું સંગ્રહાલય છે. આવા દુર્લભ અવાજોને ફરીથી રેકોર્ડ કરી, તેને તમારી સામે પ્રસ્તુત કરવામાં આવશે. તમારી સ્મૃતિમાં દટાયેલા અવાજોને ફરીથી જીવંત કરવા, ફરીથી તેની યાદો તાજા કરવા આ ઈન્ટરેક્ટીવ મ્યુઝીયમની મુલાકાત જરૂર લેજો.

 • જાનકી રોમેશ

  સ્વર આંગણ સંસ્થાનાં નિર્દેશક, જાનકી રોમેશ હિન્દુસ્તાની શાસ્ત્રીય અને હળવા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર અને ગાયિકા છે. તેમણે સંગીતકાર અને ગાયિકા તરીકે ઘણા મ્યુઝીક પ્રોડક્શન માટે કામ કર્યું છે. તેઓએ સપ્તક, ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી, આજ કે કલાકાર, નૃત્ય ભારતી એકેડમી અને આકાશવાણી માટે પ્રસ્તુતિ કરી છે.

  નાદબ્રહ્મ નિર્ઝરી
  હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની અત્યાર સુધીની સફર અને તેમાં આવેલા બદલાવો વિષે તમને ખબર છે? આ કાર્યક્રમ થકી કલાકાર તમને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની એક અનોખી યાત્રા પર લઇ જશે.

  મીરાં
  ભક્ત, કવિ, પત્ની આ બધી ભૂમિકાઓ બખૂબી નિભાવતા મીરાંબાઈનાં શ્રીકૃષ્ણ પ્રેમ અને ભક્તિમાં કેટલી બધી તાકાત હશે જેણે તેમને સમાજ અને સાંસારિક જીવનનાં નિયમોને ઓળંગી પ્રભુમાર્ગે જવાની અખૂટ શક્તિ આપી? આ સાંગીતિક રજૂઆત, મીરાંબાઈ અને શ્રીકૃષ્ણનાં પ્રેમ અને ભક્તિનાં સમીકરણ તમારી સામે ઉકેલશે. સ્નેહના રૂપ અકલ્પ્ય અને ભક્તિની ચરમસીમા કેટલી શુધ્ધ અને પ્રામાણિક હોય છે કે મીરાંબાઈનાં પતિ તેમનો કૃષ્ણપ્રેમ અને ભક્તિ સમજી શક્યા..! આ બધી લાગણીઓને વાચા અને સુર આપતી આ સાંગીતિક રજૂઆત તમને ભક્તિરસમાં તરબોળ કરી દેશે

 • જીજ્ઞા ગૌડાણા

  જીજ્ઞા ગૌડાણા અમદાવાદનાં રહેવાસી છે, તેઓએ શ્રી સી.એન શેઠ તેમજ એમ.એસ.યુનિવર્સીટીમાંથી ફાઈન આર્ટસ, આર્ટ હિસ્ટરી અને એસ્થેટિક્સનાં વિષયોનો અભ્યાસ કર્યો, ત્યારબાદ તેમણે બી.જે ઇન્સ્ટીટયુટમાંથી ભારતીય સંસ્કૃતિનાં વિષય સાથે માસ્ટર ડીગ્રી પણ મેળવી. તેમની પ્રતિભા અને કામ માટે તેમને ગુજરાત લલિત કલા એકેડેમી તરફથી પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા છે. મીનીસ્ટ્રી ઓફ કલ્ચર તરફથી ૨૦૧૨-૧૩માં તેમને જુનિયર રીસર્ચ ફેલોશીપ પણ મળી હતી. આ સાથે તેઓએ ભારતમાં અમદાવાદ, પુણે, બરોડા, મુંબઈ, દિલ્હી અને બીજી ઘણી જગ્યાઓએ ગ્રુપ શોમાં પોતાનું કામ રજુ કર્યું છે.

  હાઉ ડુ આઈ લુક?
  સૌંદર્યની વ્યાખ્યાને પડકારતું એક વિશિષ્ટ પેન્ટિંગ પ્રદર્શન, ચિત્રોની અંદર દર્શાવેલા પાત્રો અને તેમની વાર્તા કહેતી ચોપડીઓ પણ આ પ્રદર્શનનો અભિન્ન ભાગ છે

 • કલ્પના ગાગડેકર

  કલ્પના ગાગડેકર છારા, રંગભૂમિનાં ખુબજ પ્રસિદ્ધ અને પુરસ્કૃત કલાકાર છે. તેઓએ બુધાન થિયેટરની સ્થાપના કરી અને ભારતની વિમુક્ત જાતિનાં હકો માટે ચળવળ પણ શરુ કરી. કસ્તુરબા નામના નાટકમાં કસ્તુરબાની ભૂમિકા અભૂતપૂર્વપણે નિભાવી તેઓએ થિયેટર ક્ષેત્રે પણ પ્રસિદ્ધિ મેળવી, આ સિવાય તેઓએ બુધાન, અકુપાર અને બીજા ઘણા ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કર્યું છે.

  બોર્ન આર્ટીસ્ટસ
  વિમુક્ત જાતિ- છારા, વર્ષોથી ચોર તરીકે ઓળખાય છે, પણ જો તમે કોઈ છારા વ્યક્તિને જઈને પૂછશો તો તેઓ ગર્વથી કહેશે કે તેઓ કલાકાર છે..! કાયદાઓ અને છારા સમાજ વચ્ચેનો સંઘર્ષ વર્ષોથી ચાલતો આવ્યો છે. આ નાટકમાં તમને છારા સમાજનાં ભૂતકાળ અને વર્તમાનની વાસ્તવિક ઝલક દેખાશે, અહિંયા તેઓ કોઈપણ પ્રકારે કોઈ સહાનુભુતિ કે દયાની યાચના નથી કરી રહ્યા, કે ન તો તેમને મળેલા ચોરનાં લેબલ કોઈ વિષે સફાઈ આપી રહ્યા છે. આ વાર્તાઓ અને અનુભવનાં કથન દ્વારા કલાકાર અને પ્રેક્ષક વચ્ચેનું અંતર અને ઔપચારિકતા ચોક્કસ ઓછી થશે

 • કનન વોરા

  કનન વોરા સાહિત્ય, કળા, સમાજસેવા તેમજ શિક્ષણ ક્ષેત્રે ઊંડો રસ ધરાવે છે, તેઓએ એમ.એસ યુનિવર્સીટી વડોદરાથી ફાઈન આર્ટસની પદવી મેળવી છે. તેમણે મધુબની ચિત્રકળા તેમજ કચ્છની સ્ત્રીઓને વિષય બનાવી ઘણા પેન્ટિંગ પ્રદર્શનો અને ગ્રુપ શો કર્યા છે. તેમણે ભારતનાટ્યમ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશારદ પણ કર્યું છે.

  રાવણ – ઇન ટેન માઈન્ડસ
  રાવણ એક એવું જટિલ પૌરાણિક પાત્ર છે જે દરેક સમયમાં સુસંગત છે. રાવણના ગુણો આપણા સમાજમાં ઘણીવાર સહજતાથી પ્રતિબિંબિત થતા હોય છે. મધુબની ચિત્રશૈલીથી બનાવેલા મહોરાં સાથે તૈયાર કરવામાં આવેલું આ નૃત્ય, રાવણનાં ચરિત્રનું એક નવુ જ પાસું તમારી સામે ઉઘાડશે.

 • માનસી ગાંધી

  માનસી ગાંધી પદ્મવિભૂષણ શ્રીમતી કુમુદિની લાખિયા પાસેથી નૃત્યની તાલીમ પામેલ છે, અને પ્રખ્યાત કદમ સંસ્થા સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી ચુક્યા છે. તેમણે મહેર મલિક પાસે બેલી ડાન્સિંગ અને ટેરેન્સ લુઇસ પાસે કન્ટેમ્પરરી નૃત્યની તાલીમ પણ લીધી. તેઓ છેલ્લા ૫ વર્ષથી ડી – ડાન્સિંગ સ્ટ્રીટ સ્ટુડીઓમાં નૃત્ય શીખવે છે.

  ડાન્સ વિથ મી
  હાવભાવ અને અંગભંગી દ્વારા અભિવ્યક્તિનું એક સુંદર માધ્યમ છે, નૃત્ય. નૃત્ય તમારા વિચાર અને લાગણીઓને સ્વતંત્રતા આપી તમને દુનિયા અને ખાસ તો પોતાની જાતથી વધુ નજીક લઇ આવે છે . આ વૃંદનૃત્ય તમને અલગ અલગ નૃત્યશૈલીઓ દ્વારા સ્વ સાથે એક સુંદર પરિચય આપે છે.

 • નયન ભીલ

  નયન ભીલ લેખક અને રંગભૂમિનાં કલાકાર છે, જેઓ કઠપૂતળીનાં માધ્યમથી પોતાનાં વિચારો અભિવ્યક્ત કરે છે. તેમણે ભદ્ર કિલ્લાનાં ઉદ્ઘાટન, આણંદની સ્વામીનારાયણ આર્ટસ કોલેજનાં ઉદ્ઘાટન અને વાઈબ્રન્ટ ગુજરાતનાં પ્રસંગે કલર શેડો પપેટ શોની રજૂઆત કરી હતી. આ સિવાય, તેઓ કઠપૂતળી બનાવવા અને તેના નાટકો શીખવવા ઘણી એન.જી.ઓ સંસ્થા તેમજ શાળાઓમાં પણ સક્રિય સેવા આપી રહ્યા છે

  ધ ફુલીશ કિંગ
  કઠપૂતળી આપણી સંસ્કૃતિમાં મનોરંજનનું એક ખુબ મહત્વનું માધ્યમ છે. આપણા દેશમાં પ્રથમ કઠપૂતળીનું સર્જન લગભગ ૧૦૦૦ બી.સીમાં થયું હતું. જે-તે સંસ્કૃતિનાં રંગે રંગાયેલી કઠપૂતળીઓ જે-તે સંસ્કૃતિની વાર્તા કહે છે. મુર્ખ રાજાની વાત નયન કઠપૂતળી દ્વારા તાદૃશ્ય કરે છે. આ મુર્ખ રાજા, જે તેના સામ્રાજ્યનાં સૌથી મોટા દુશ્મનની શોધમાં છે. આવો તેને કઠપૂતળીનાં સ્વરૂપે નિહાળીએ જેમાં શેડો પપેટ, રોડ પપેટ અને બીજા અનેક પ્રકારની કઠપૂતળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 • પલ્લવી જૈન

  પલ્લવી જૈન વ્યવસાયે આર્કિટેક્ટ અને ડિઝાઈનર છે, તેઓ ૨૦૧૬મા યુ.એ.એલ લંડનથી ડિઝાઈન મેકર, વિઝ્યુઅલ આર્ટસમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી. હવે તેઓ સ્વતંત્ર ઇન્ટીરીયર ડિઝાઈનર તરીકે કામ કરે છે જ્યાં તેઓ જુદા-જુદા કારીગરો,શિલ્પીઓ અને મિસ્ત્રી સાથે મળીને પોતાની આગવી ફર્નિચર શૈલી વિકસાવી રહ્યા છે. ભારતીય હસ્તકળાને વિકસાવી તેને ઉપર લઇ આવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

  અ વોવન સ્ટોરી
  જુના, ફેંકી દીધેલા કપડા અને ગાભામાંથી પલ્લવીએ એક ઈન્ટરેક્ટીવ ઈંસ્ટોલેશન બનાવ્યું છે, આ ઈંસ્ટોલેશનની રચનામાં વણાટની જુદી-જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થળ અને સમય સાથે સંવાદ રચતું આ ઈંસ્ટોલેશન ખુબજ રસપ્રદ વાર્તા કહી જાય છે.

 • પિન્કી ગોડીયાવાલા

  પદ્મભૂષણ શ્રી દશરથ પટેલનાં શિષ્યા હોવાથી કળા પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ સુવિકસિત અને ખુબજ બહોળો છે. તેમની કલાયાત્રાનાં ભાગરૂપે તેઓ ઘણા અનુભવી માર્ગદર્શકોનાં પરિચયમાં આવ્યા અને તેમણે ઘણા કૌશલ્યો વિષે પણ સમજ કેળવી. તેઓ યુવા અનસ્ટોપેબલ નામની એન.જી.ઓનાં ફંડ ટ્રસ્ટી છે જેના અંતર્ગત તેઓ શિક્ષણ અને સમાજથી વંચિત બાળકો માટે કામ કરી રહ્યા છે.

  લાઈફ ઓન બાઈસિકલ
  બાઈસિકલ એટલે માત્ર એક જગ્યાથી બીજી જગ્યા એ પહોંચવા માટેનું વાહન નથી, તે ઘણા લોકોના જીવન અને વ્યવસાયોનું પ્રતિક પણ છે. માનવજીવનમાં ઊંડે સુધી વણાય ગયેલું સાઈકલનું મહત્વ આ ફોટોગ્રાફીનું પ્રદર્શન દ્વારા તમારી સામે ખુલ્લું મુકાશે

 • પિયુષ પંડ્યા

  પિયુષ પંડ્યા, વ્યવસાયે આર્કિટેક્ટ, તાલીમથી અર્બનીસ્ટ અને હૃદયથી કવિ છે. હિન્દી અને ઉર્દુ ભાષાનાં શબ્દો અને કહેવતોથી પ્રેરિત તેમની કવિતાઓનું પઠન ઘણી જગ્યાઓએ પ્રસંશા પામ્યું છે. હિન્દયુગ્મમાં પણ તેમની કૃતિઓ પ્રગટ થઇ ચુકી છે.

  દહેરી
  આપણી દુનિયા, જ્યાં નિયમો અને સીમાની વ્યાખ્યા સતત બદલાતી રહે છે, આપણો સમાજ, કે જ્યાં વ્યક્તિગત અને જાહેર જીવન વચ્ચેની રેખા ખુબ પાતળી છે, આવા સમયે શું ખાનગી અને શું જાહેર એ તમે કઈ રીતે નક્કી કરશો? આ ભેદ દર્શાવવા એક દિવાલ ઉભી કરવી જ એક માત્ર ઉપાય છે? સીમાઓને આપણે શબ્દો કે ચિત્રોમાં વર્ણવી શકીએ? દહેરી આ વિચારને કવિતા અને ફોટોગ્રાફીનાં સ્વરૂપે ખુબ સુંદર રીતે સમજાવી જાય છે.

 • પૂજા પુરોહિત

  પૂજા એક નૃત્યાંગના તેમજ અભિનેત્રી પણ છે. તેમણે યોગ અને કલારીપયટુ નૃત્યશૈલીમાં પણ તાલીમ લીધી છે. ૨૦૦૮થી તેઓ દર્પણ સંસ્થા સાથે જોડાયેલા છે અને પ્રખ્યાત નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ સાથે પણ તેમણે કામ કર્યું છ. દર્પણનાં નૃત્યવૃંદ સાથે તેમણે મધ્ય-પૂર્વનાં દેશો, દક્ષિણ કોરિયા, યુરોપ અને અમેરિકામાં પરફોર્મ કર્યું છે.

  કશ્મકશ
  હૃદય કે મન કોનું સાંભળવું? એ વિગ્રહ તો ચાલતો જ આવ્યો છે. તમને સાચી દિશા કોણ બતાવશે? હૃદય કે મન? ભારતનાટ્યમ, કથક અને ભારતીય કન્ટેમ્પરરી નૃત્યની શૈલીમાં, લાઈવ સંગીતનાં સથવારે આ મુદ્દો સુંદર રીતે પીરસાશે અને જવાબ મળશે કે નહિ, એ તો આ કૃતિ માણ્યા બાદ જ સમજાશે

 • શિવાંગી વિક્રમ

  શિવાંગી વિક્રમ અમદાવાદના સુવિખ્યાત નૃત્યાંગના, શિક્ષિકા અને નૃત્યકાર છે. તેમણે નાલંદા નૃત્યકલા મહાવિદ્યાલયમાંથી ભારતનાટ્યમમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે. તેઓ ICCRનાં કલાકાર છે. આ ઉપરાંત તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી MHRD રાષ્ટ્રીય સ્કોલરશીપ પણ હાસેલ કરી છે. તેમને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સંગીત નાટક એકેડમી તરફથી શૃંગાર મણી, કલ-કે-કલાકાર અને નૃત્યપ્રતિભાનાં પુરસ્કાર પણ મેળવ્યા છે. તેઓ રસધ્વનીનાં મુખ્ય નૃત્યાંગના છે તેમજ ચિત્રા બેનર્જી દિવ્યાકરુણીની નાટ્ય-નૃત્ય કૃતિ ‘ધ પેલેસ ઓફ ઇલ્યુઝન’ પર આધારિત ‘પાંચાલી’નાં પણ મુખ્ય કલાકાર છે. આ અમદાવાદની પ્રથમ એવી ક્રાઉડ ફંડેડ નૃત્ય કૃતિ છે જેને સરકાર તરફથી ગ્રાન્ટ મળી છે

  આતિથ્ય
  મંદિરની પરંપરા પર આધારિત ભારતનાટ્યમ શૈલીમાં તૈયાર થયેલું નૃત્ય આતિથ્ય દેવને ધરાતો સૌથી મુલ્યવાન પ્રસાદ છે. ભગવાન નટરાજનની સ્તુતિ માટે ત્યાર કરેલું આ નૃત્ય ખુબજ વિરલ અને અદભુત વાતાવરણનું ઉભું કરે છે.

 • સોનલ ભાર્ગવ

  ભારતનાટ્યમ પ્રવિણ સોનલ ભાર્ગવ એક નવોદિત નૃત્યકાર છે. તેમણે સાહિત્ય અને વાર્તાઓને પરફોર્મિંગ આર્ટસનાં માધ્યમથી અભિવ્યક્તિ આપી છે. તેઓએ આ કળા કુશળતાનો લાભ નાના બાળકોથી લઇ વયસ્ક સુધી દરેક વ્યક્તિ સુધી પહોચાડ્યો છે.

  પ્રતિબિંબ
  સંગીત અને નૃત્ય એક સિક્કાની બે બાજુ છે, ગુજરાતી કવિતાનાં ભાવને ભારતનાટ્યમ થકી અભિવ્યક્ત કરતી આ કૃતિ એક કલાત્મક સમન્વય છે. ગુજરાતી કવિતાનાં શબ્દો, રસ અને ભાવ નૃત્યનાં રૂપે તમારી સામે પ્રતિબિંબીત થશે

 • સુમેધ કુમાર

  સુમેધનો જન્મ હૈદરાબાદમાં થયો હતો, તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીથી પ્રિન્ટ મેકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, તેલેગુ યુનિવર્સીટીથી આગળ ભણતર માટે સ્કોલરશીપ પણ મેળવી. તેમને હૈદરાબાદ આર્ટ સોસાયટી તરફથી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમનું કામ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ ખાતે પ્રદર્શિત થયું છે.

  હોમ
  અવાજ એટલે અનુભૂતિ- અવાજ એટલે શક્તિ, માત્ર અવાજ દ્વારા તમે તમારી કલ્પનાને છૂટો દોર આપી શકો છો. આ ઈંસ્ટોલેશનમાં ઘરની વાત છે, અવાજ દ્વારા ઘરને ઓળખવાની વાત. આ આર્ટવર્ક દ્વારા લોકો ઘર અને જગ્યાને વધુ ઊંડાણપૂર્વક લાગણી સાથે સમજી શકશે

 • તોરલ વ્યાસ

  તોરલ વ્યાસ આમ તો ફાઈનાન્સ ક્ષેત્રે કાર્યરત છે અને પોતાનો ક્રિયેટીવ સ્ટુડિયો ધરાવે છે. તેમણે પોતાના શોખને જ વ્યવસાય બનાવી દીધો. તેમને સ્ટ્રીટ અને ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી તેમજ પ્રવાસનો શોખ છે. તેમના યોજાયેલ અનેક શોમાંથી વિસામો..સ્કુલ ચલે હમ એક લાક્ષણિક કૃતિ છે.

  વન્સ અપોન અ ટાઈમ
  ફોટોગ્રાફસ ખુબ જ બોલકાં હોય છે, વાર્તા કહેતા હોય છે.. પણ તમે ફોટોગ્રાફને થોડા ફેરબદલ કરો તો એક નવી જ વાર્તા ઉભી થાય છે. પંચતંત્રની વાર્તાઓ અને પાત્રો પર આધારિત વિસામો કિડ્સનાં બાળકોની કથા એટલે વન્સ અપોન અ ટાઈમ

 • વેદિકા બાયનવાલા

  વેદિકા બાળકો માટે કાર્યરત એવા પ્રતિબિંબ થિયેટરનાં નિર્દેશિકા છે. ઓક્ટોબર ૨૦૦૪માં આરંભાયેલી આ સંસ્થા કોઈપણ નફા કે લાભનાં હેતુ વગર સ્થાપવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની પ્રતિભા બહાર લાવવાનો તેમજ તેમના કૌશલ્યને મંચ આપવાનો છે.

  કહાની લે લો કહાની
  પંચતંત્રની વાર્તાઓ માત્ર મનોરંજન નહિ પણ આપણા જીવનનાં ઘડતરમાં પણ મોટો હિસ્સો ધરાવે છે. આ વાર્તાઓ ઘણી વાર કહેવાઈ ગઈ છે, વારંવાર અલગ અલગ લોકો દ્વારા કહેવાઈ છે. આ વિશિષ્ટ રજૂઆતમાં બાળકો પાસેથી આ વાર્તાઓ ફરી સાંભળીશું અને નવો જ બોધપાઠ પણ લઇશું

 • મિતુલ કજારિયા

  મિતુલ કજારિયા ઍક સેલ્ફ-ટૉટ ફોટોગ્રાફર છે જેમણે ફોટોગ્રફીની અલગ-અલગ શૈલિયોમા પ્રયોગ કર્યો છે. ઍમના કામ ને અંતરરાષ્ટ્રીય સ્તર પર બાર્બિકન, લંડન અને ઇંડિયાફ્રિકા સ્પર્ધઓમા પુરસ્કાર મળ્યા છે. સાથેજ દેશભરમા થતી સ્પર્ધઓમા પણ તેમણે ભાગ લીધો છે જેમા‘બેટર ફોટોગ્રફી – POY, IIA દ્વારા આયોજીત આર્કિટેક્ચરલ ફોટોગ્રફી અને અન્ય બીજી સ્પર્ધઓ શામેલ છે.

  દેહરી
  આપણી દુનિયા, જ્યાં નિયમો અને સીમાની વ્યાખ્યા સતત બદલાતી રહે છે, આપણો સમાજ, કે જ્યાં વ્યક્તિગત અને જાહેર જીવન વચ્ચેની રેખા ખુબ પાતળી છે, આવા સમયે શું ખાનગી અને શું જાહેર એ તમે કઈ રીતે નક્કી કરશો? આ ભેદ દર્શાવવા એક દિવાલ ઉભી કરવી જ એક માત્ર ઉપાય છે? સીમાઓને આપણે શબ્દો કે ચિત્રોમાં વર્ણવી શકીએ? દહેરી આ વિચારને કવિતા અને ફોટોગ્રાફીનાં સ્વરૂપે ખુબ સુંદર રીતે સમજાવી જાય છે.